Gujarat

ઈકો કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂની હેરાફેરી

ભાવનગર જિલ્લાના સિહોરના રેલવે ફાટક નજીક લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલી બાતમી આધારે વોચ ગોઠવી ઉભા હતા તે વેળાએ વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી ઈકો કારને ઝડપી લઈ કાર સાથે રહેલા એક શખસની ધરપકડ કરી ઈકોની તલાશી લેતા કારના પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 576 બોટલ મળી આવતા કબ્જે કરી દારૂ, કાર, બે મોબાઈલ મળી કુલ 3.28 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

ઈકો કારમાં ચોરખાનું બનાવી દારુ સંતાડ્યો હતો આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, સમીર સલીમભાઈ કલાણીયા રહે. ઘાંચીવાડ, પાલીતાણા રોડ, ગારીયાધાર ઈકો ફોર વ્હીલ રજી.નં GJ.38.BA- 6313 માં ગેરકાયદેસર પરપ્રાંતીય ઈગ્લીશ દારૂનો જથ્થો લઈ શિહોર તરફથી પાલીતાણા તરફ આવે છે.

જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શિહોર રેલવે ફાટકથી આગળ પઢીયાર ફર્નીચરની સામે જાહેર રોડ ઉપર વોચમાં રહેતાં ઉક્ત ઈકો કાર શંકાસ્પદ રીતે પસાર થતા તેને અટકાવી તલાશી લેતા ઈકો કારમાં પાછળના ભાગે બમ્પરની નીચે બનાવેલ ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની નંગ-576 કિ.રૂ.1,03,680 મળી આવતા ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂ, બે મોબાઈલ કિ.25 હજાર, ઈકો કાર કિ.2 લાખ મળી કુલ રૂા.3,28,980 નો મુદ્દામાલ કબજે લીધો હતો.