Gujarat

જૂનાગઢ APMC ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ

​જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે સવારથી શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની કુલ 16 બેઠકો પૈકી વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠકો મળીને કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

હાલમાં ખેડૂત વિભાગની બાકી રહેલી 10 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં ભાજપ પ્રેરિત 10 અને આમ આદમી પાર્ટી પ્રેરિત 7 ઉમેદવારો મળીને કુલ 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

​માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બિનહરીફ થયેલા વિજેતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે આજે ખેડૂત પેનલ વિભાગની 10 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં જૂનાગઢ તાલુકાના 45 ગામોના ખાતેદાર ખેડૂતો અને મંડળીની વ્યવસ્થાપક કમિટીના નિયામક મંડળના સભ્યો ભારે ઉત્સાહ સાથે પોતાનો કિંમતી મત આપી રહ્યા છે.

તેમણે બિનહરીફ બેઠકો અંગે સ્પષ્ટતા કરી હતી કે યાર્ડના વિકાસની દિશાને ધ્યાનમાં રાખીને વેપારી મિત્રોએ એકસંપ થઈ નિર્ણય લેતા વેપારી વિભાગના 4 ડિરેક્ટરોની બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે સહકારી સંઘની 2 બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે. તેમણે આવતીકાલે જાહેર થનારા પરિણામમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલનો ભવ્ય વિજય થશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.