Gujarat

કેરળા GIDCની લોખંડની કંપનીમાં ભીષણ આગ

બાવળા નજીક આવેલા કેરળા GIDC વિસ્તારની એક લોખંડની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આસપાસના કારખાનાઓમાં કામ કરતા લોકો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર બ્રિગેડનું આખી રાત ઓપરેશન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5થી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ એટલી ગંભીર હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરો દ્વારા આખી રાત સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વહેલી સવાર સુધી ચાલેલી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

મોટા નુકસાનની આશંકા, જાનહાનિ ટળી આ ભીષણ આગના કારણે કંપનીમાં રાખેલો કરોડોનો માલસામાન, મશીનરી અને અન્ય સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હોવાની આશંકા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ નથી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની શક્યતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સંબંધિત સરકારી વિભાગ અને પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.