અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં લોહીયાળ ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ એક નવપરિણીતાની તેના જ પતિએ નિર્દયતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરી દીધી છે. હત્યાની આ સનસનાટીભરી વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ધાબા પરથી કૂદીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. આ ચકચારી મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને હત્યારા પતિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પિતાને ફોન આવ્યો, ‘તમારી દીકરીના ગળામાં છરી મારી દીધી છે’ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સુરવન ગામના વતની પપ્પુ પારગીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ મેહુલ લાલચંદ મુનિયા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પપ્પુ પારગી ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના પરિવારમાં પત્ની દુર્ગાબેન, બે દીકરા અને ત્રણ દીકરી છે. જેમાં તેમની મોટી દીકરી રાસીતાના લગ્ન માત્ર 3 મહિના પહેલાં જ સમાજના રીત-રિવાજ મુજબ મેહુલ મુનિયા સાથે થયા હતા. લગ્ન બાદ મેહુલ તેના પિતા લાલચંદ સાથે રોજગારી મેળવવા અમદાવાદ આવ્યો હતો, જેથી રાસીતા પણ તેની સાથે જ અમદાવાદ રહેવા આવી હતી.
વહેલી પરોઢે ચીસ સંભળી સસરા દોડ્યા મૃતકના પિતા જ્યારે રાજસ્થાન પોતાના ઘરે હાજર હતા ત્યારે અચાનક તેમના વેવાઈ લાલચંદનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે રાસીતાના ગળામાં છરી મારી દેવામાં આવી છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે.
આ સાંભળી આખો પરિવાર તાબડતોબ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલ ખાતે લાલચંદે જણાવ્યું કે, સરખેજ વિસ્તારમાં આવેલા મકાનના ધાબા પર રાત્રે તેઓ, રાસીતા અને મેહુલ સૂતા હતા. લાલચંદ બંનેથી આશરે 20 ફૂટ દૂર સૂતા હતા. વહેલી પરોઢે અચાનક રાસીતાની જોરદાર ચીસો સંભળાતા તેઓ જાગી ગયા હતા.

