Gujarat

ગિરનારના ઘનઘોર જંગલમાં વન્યજીવોની ગણતરીનો પ્રારંભ

જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યના ગહન જંગલ વિસ્તારમાં આજથી તૃણાહારી (શાકાહારી) પ્રાણીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે અને (9 અને 10 જૂન) એમ સતત 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ગિરનારની સમૃદ્ધ જૈવવિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વન્યપ્રાણીઓની ચોક્કસ સ્થિતિનો વૈજ્ઞાનિક ડેટા મેળવવાનો છે. આ સત્તાવાર માહિતીના આધારે વન્યપ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ વિકાસ માટેની આગામી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે.

સાસણ વન વિભાગના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી આ વન્યજીવ ગણતરીની કામગીરીને સફળ બનાવવા માટે જૂનાગઢ વન વિભાગના ટ્રેકર્સ, રોજમદારો, વનરક્ષકો (બીટ ગાર્ડ), ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFO) સહિત આશરે 150 જેટલા કર્મચારીઓનો વિશાળ સ્ટાફ જંગલમાં સક્રિયપણે જોડાયો છે.

આ સમગ્ર પ્રક્રિયામાં સાસણ વન વિભાગના નિષ્ણાત અધિકારીઓનું ખાસ ટેકનિકલ માર્ગદર્શન મળી રહ્યું છે. ગણતરી માટે વૈજ્ઞાનિક રીતે માન્ય એવી ‘લાઈન ટ્રાન્સેક્ટ’ અને ‘ડિસ્ટન્સ સેમ્પલિંગ’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓની સંખ્યા અને ઘનતાના એકદમ સચોટ અને વિશ્વસનીય આંકડાઓ પ્રાપ્ત થઈ શકે.

GPS અને આધુનિક સાધનો સાથે ટીમો જંગલમાં ઊતરી ગિરનારના ડુંગરાળ અને પથરાળ જંગલોમાં વન વિભાગના અધિકારીઓ અને પ્રશિક્ષિત ગણતરીકારોની ટીમો દૂરબીન, હાઈ-ઝૂમ કેમેરા, વોકીટોકી અને જીપીએસ (GPS) જેવા આધુનિક સાધનોથી સજ્જ થઈને મેદાનમાં ઊતરી છે.

આ ટીમો દ્વારા જંગલના નિર્ધારિત કરાયેલા ચોક્કસ રૂટ અને કુદરતી જળાશયો (પાણીના પોઇન્ટ)ની નજીક વન્યજીવોનું ઝીણવટભર્યું અવલોકન કરવામાં આવી રહ્યું છે. આ ગણતરી દરમિયાન જંગલમાં વસવાટ કરતા મુખ્ય શાકાહારી પ્રાણીઓ જેવા કે ચિતલ, સાંબર, નીલગાય, ચિંકારા, ચારસિંગા (ચોસિંગા) અને જંગલી સૂવર વગેરેની સત્તાવાર નોંધ લેવામાં આવશે.