Gujarat

પાલનપુર રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત

પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચતા રેલવે સ્ટેશનની દુકાનમાંથી કોઈ પણ જાતના લેબલ વગરની બરણીઓમાં ભરેલી લાલ ચટણી મળી આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજે ૬૯૮ કિલો જેટલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થાની બજાર કિંમત રૂપિયા ૨૦,૦૦૦થી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

દુકાનદાર દ્વારા કોઈપણ પ્રકારના ઉત્પાદન લેબલ કે માહિતી વગર જ આ લાલ ચટણીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી ચટણીના સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ દુકાનદાર સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.