Gujarat

ગાંધીનગર સાયબર સેન્ટરે ડિજિટલ અરેસ્ટ ગેંગના મુખ્ય નાણાકીય વહિવટદાર રફીકુલને આસામના બારપેટાથી ઝડપી પાડ્યો

દેશના અલગ અલગ રાજ્યોમાં લોકોને ડરાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના મુખ્ય નાણાકીય વહિવટદાર તરીકે ઓળખાતા અને આસામના બારપેટામાં રહેતા રફીકુલ આલમ મહંમદ અલીને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ઝડપી પાડ્યો છે.

આ બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ દ્વારા બનાવટી પોલીસ અધિકારીઓ તથા સુપ્રીમ કોર્ટના બનાવટી લેટરનો ઉપયોગ કરીને લોકોને ડરાવવામાં આવતા હતા. ભોગ બનનારને તેમના વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાયો હોવાનું કહી વીડિયો કોલ મારફતે ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવતા હતા. ડિજિટલ અરેસ્ટ દરમિયાન ભોગ બનનાર પાસેથી બેંક ખાતાની વિગતો મેળવવામાં આવતી હતી અને વિવિધ બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ રીતે છેતરપિંડીથી મેળવેલા નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગના સભ્યો સુધી પહોંચાડવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગાંધીનગર સાયબર સેન્ટરને એક સિનિયર સિટિઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોવાની માહિતી મળતા પોલીસે તેમની કાઉન્સેલિંગ કરી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એકસાથે ચાલી રહેલા આશરે ૧૦ જેટલા ડિજિટલ અરેસ્ટના કેસ સામે આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભોગ બનનાર લોકોના ઘરે પહોંચી તેમને ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીમાંથી બચાવ્યા હતા.

આ કેસમાં પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે છેતરપિંડીના નાણાંની હેરફેર અંગે તપાસ શરૂ કરી હતી. બેંક ખાતાઓ, નાણાકીય વ્યવહારો તથા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનની કડીઓ જાેડતા સમગ્ર નાણાકીય નેટવર્કના મુખ્ય સૂત્રધાર તરીકે રફીકુલ આલમ મહંમદ અલી, બારપેટા, આસામની ઓળખ થઈ હતી.

ત્યારબાદ પોલીસે રફીકુલ આલમને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના અન્ય સભ્યો અને નાણાકીય નેટવર્ક અંગે વધુ મહત્વની માહિતી સામે આવે તેવી શક્યતા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ આંતરાષ્ટ્રીય ગેંગ સાથે જાેડાયેલા ભારતભરના કુલ ૧,૦૯૦ સાયબર ગુનાઓમાં રૂ. ૧૦,૭૧,૫૫,૬૬,૦૩૪, એટલે કે રૂ. ૧,૦૭૧ કરોડથી વધુની છેતરપિંડીની રકમનો ભેદ ઉકેલાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હવે આરોપી રફીકુલ આલમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, બેંક ખાતાઓ, ક્રિપ્ટો વોલેટ તથા આંતરાષ્ટ્રીય નેટવર્કની વધુ કડીઓ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.