પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 12.35 લાખ આંકવામાં આવી છે.
બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, SOG શાખા સક્રિય બની હતી.

SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના સુપરવિઝન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા અને SOG સ્ટાફના ગૌરવકુમાર, સંકેતકુમાર અને મયંકકુમાર પાલનપુર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, તેમને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે મૂળચંદભાઈ કેશાભાઈ સલાટ (રહે. માનસરોવર ફાટક, ખોડીયારનગર, અગ્રેસન સોસાયટીની સામે, પાલનપુર) પોતાના ઘરે ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે, પો.ઇન્સ એસ.એમ. પટણીએ NDPS એક્ટ હેઠળ રેડનું આયોજન કર્યું. પંચો સાથે સદરહુ જગ્યાએ દરોડો પાડતા, મૂળચંદભાઈ કેશાભાઈ સલાટના કબજા ભોગવટાના ઘરમાંથી 24.713 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 12,35,650/- રૂપિયા છે.

