ભાવનગરના વરતેજ ખાતે પોતાના ઘરે નકલી વિદેશી દારૂનો જથ્થો તૈયાર કરી શહેર અને ગ્રામ્ય પંથકના યુવાનોને મોતની ખાઈમાં ધકેલનારા બુટલેગર ગૌતમ સોલંકીના નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને ગૌતમ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મેળવનારા બે શખ્સોની ધરપકડ કરી છે. નિલમબાગ અને બોરતળાવ પોલીસે આરોપીઓ પાસેથી રોયલ સ્ટેગ દારૂની 35 બોટલો તેમજ 20 બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેલ ગ્રાઉન્ડ સામેના સરકારી ક્વાર્ટરમાંથી 35 બોટલ દારૂ સાથે સંજય ચાવડા ઝડપાયો નિલમબાગ પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જેલ ગ્રાઉન્ડ સામે આવેલા સરકારી ક્વાર્ટરમાં તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના અરઠીયા ગામના વતની સંજય રાવતભાઈ ચાવડાના ક્વાર્ટરની અંદરથી રોયલ સ્ટેગ કંપનીની ₹45,000ની કિંમતની 35 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ ₹10,000નો મોબાઈલ મળી કુલ ₹55,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપી સંજયની અટકાયત કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન સંજય ચાવડાએ કબૂલાત કરી હતી કે, તે રાત્રિના સમયે પોતાનું બાઈક લઈને વરતેજ સ્થિત બાપા સીતારામ ગેરેજ પાસે ગયો હતો, જ્યાં ગૌતમ વિરમભાઈ સોલંકીએ તેને દારૂની 36 બોટલો આપી હતી અને તેમાંથી એક બોટલ રસ્તામાં તૂટી ગઈ હતી. નિલમબાગ પોલીસે સંજય ચાવડા અને મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં સંજય ચાવડાને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

