Gujarat

ધનતેરસે 113 યુવાનોને સરકારી નોકરીની ભેટ

ધનતેરસના પર્વે ગુજરાતના 113 યુવાનો માટે સરકારી નોકરીનું સપનું સાકાર થયું છે. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સીધી ભરતીથી પસંદ થયેલા DYSO, ક્લાસ-3ના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સચિવાલયના 64 સેક્શન અધિકારીઓને બઢતી આપીને દિવાળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓને ખુશખબર આપવામાં આવી છે.

દિવ્યાંગ ઉમેદવારોને પણ સરકારી નોકરીની તક આ ભરતીમાં સામાન્ય પ્રક્રિયા હેઠળ પસંદ થયેલા 87 ઉમેદવારો ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશમાં પસંદ થયેલા 26 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આમ, કુલ 113 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. નવા અધિકારીઓ માટે આ નિમણૂક માત્ર સરકારી નોકરી નહીં, પરંતુ સચિવાલયમાં વહીવટી જવાબદારી સંભાળવાની નવી શરૂઆત બની છે.

10 વર્ષમાં 2.10 લાખથી વધુ ભરતીનું આયોજન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સરકારી ભરતી અંગેના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2024થી 2033 દરમિયાન રાજ્યમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની અંદાજે 2.10 લાખથી વધુ જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 2023 દરમિયાન રાજ્યમાં કુલ 1,79,424 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી અને 92.95 ટકા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી યુવાનોને પરીક્ષાની તૈયારી અને કારકિર્દીનું આયોજન કરવામાં સરળતા રહે છે.