સુરતમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક વલણ અપનાવી રહેલી સુરત પોલીસે તાજેતરમાં વિવિધ પ્રોહિબિશન કેસોમાં ઝડપાયેલા મોટા પાયાના દારૂના જથ્થાનો કાયદેસર પ્રક્રિયા મુજબ નાશ કર્યો છે. શહેર પોલીસના ઝોન-2 કાર્યક્ષેત્ર હેઠળ આવતા પાંચ પોલીસ મથકો દ્વારા જપ્ત કરવામાં આવેલા ₹42,60,627ની અંદાજિત કિંમતના દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી તેનો સફાયો કરવામાં આવ્યો હતો.
21 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો ગત 6 ઓક્ટોબરના રોજ ડિંડોલી સ્થિત કલરટેક્સ રોડ ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ 21,418 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીનનો સમાવેશ થતો હતો. અદાલતમાંથી જરૂરી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ, નિયત પ્રોટોકોલનું પાલન કરીને આ સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
નશાબંધીના કાયદાના કડક અમલ માટે કાર્યવાહી આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર તેમજ અધિક પોલીસ કમિશનર બલરામ મીણાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર ડૉ. કાનન દેસાઈની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ પારદર્શક રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ વેળાએ મહેસૂલ અને અન્ય સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિટી પ્રાંતના નાયબ કલેક્ટર એમ.એમ. પટેલ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંબંધિત પાંચેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફે હાજર રહી સમગ્ર પંચનામા સહિતની કાનૂની વિધિ સંપન્ન કરાવી હતી.

