કચ્છમાં માતાના મઢ તરફ આશાપુરા માતાજીનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓની સુરક્ષા અને માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નખત્રાણા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પદયાત્રાના માર્ગ પર બેફામ ઝડપે વાહનો દોડાવી, મોડીફાઇ સાઇલેન્સરથી ઘોંઘાટ ફેલાવી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. નખત્રાણા પોલીસની આ કાર્યવાહી દરમિયાન આશરે 40 જેટલાં વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં, જ્યારે સ્થળ પર જ આશરે રૂ.15 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બેગડિયા, ટ્રાફિક જમાદાર નિકુંજદાન ગઢવી, વિષ્ણુભાઈ માજીરાણા સહિતના પોલીસ કર્મચારીઓએ શનિવારે સવારથી જ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને માતાના મઢ તરફ જતા માર્ગ પર પદયાત્રીઓની અવરજવર વધી રહી હોવાથી તેમની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

