મંદિર ટ્રસ્ટની મિલકત પર વડોદરાના રાજવી પરિવારનો દાવો હાઇકોર્ટે ફગાવી દેતો ચુકાદો આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે રાજવી પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને રદ કરતાં 35 વર્ષ જૂના વડોદરા કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. જેમાં ચેરિટી કમિશનર દ્વારા પસાર કરાયેલા આદેશોને પડકારવામાં આવ્યો હતો અને તે મામલે વડોદરામાં જમીનનો એક ટુકડો શ્રી યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની માલિકીનો જાહેર કરવામાં આવ્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં કેસ થયો હતો અને રાજવી પરિવારની અરજી હાઇકોર્ટે રદ કરી છે.
1991ના વડોદરા જિલ્લા કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી આ મામલે વડોદરા જિલ્લા કોર્ટના 1991ના ચુકાદાની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે એ નિર્વિવાદ છે કે સર્વે નંબર 10 ની જમીન શરૂઆતથી જ 1956 સુધી સતત શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના નામે રહી છે.
જ્યારે મહારાજાના નામનું પરિવર્તન થયું હતું. જો કે આ જમીન શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની મિલકત તરીકે નામ આપવામાં આવ્યું ન હતું. તે જમીન તત્કાલીન મહારાજા ગોવિંદરાવ દ્વારા શ્રી યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના જાળવણી માટે આપવામાં આવી હતી. નોંધપાત્ર રીતે આ જમીનનો ટુકડો ક્યારેય વડોદરા રાજ્યના મહારાજાની ખાનગી મિલકત તરીકે પાછો ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી.
વડોદરા આર એન્ડ બી ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જારી કરાયેલા રેકોર્ડ અને સંદેશાવ્યવહારનો ઉલ્લેખ કરતા કોર્ટે નોંધ્યું છે કે સંદેશાવ્યવહારમાં ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું નથી કે સર્વે નંબર 9 અથવા સર્વે નંબર 10 ની જમીન વડોદરા રાજ્યના મહારાજાની છે અને તેમની માલિકી છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયરના કાર્યાલયનો પત્ર સર્વે નંબર 1/61, હીરાબાગ ફાર્મ સાથે સંબંધિત છે. જો કે આ પત્રને ખોટી રીતે વાંચવામાં આવ્યો છે અથવા ખોટી રીતે સમજવામાં આવ્યો છે. કદાચ ઇરાદાપૂર્વક, જેથી યવતેશ્વર મહાદેવની માલિકીની જમીન મહારાજાના નામે બદલી શકાય.

