Gujarat

યશોદાધામમાંથી 10.6 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. ભચાઉ પોલીસે યશોદાધામમાંથી 10.6 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત ₹5.33 લાખ આંકવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન આરોપી ધરણીધરણ દુર્ગાચરણ રાઉતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 10.6 કિલો ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચના તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમારને માદક પદાર્થ ગાંજા અંગે બાતમી મળી હતી, જેના આધારે ભચાઉ તાલુકાના યશોદાધામમાં આવેલા રાધે નગરમાં એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસે આરોપી ધરણીધરણ દુર્ગાચરણ રાઉતને ગાંજો કોણ મોકલતું હતું અને તે ક્યાંથી આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.