Gujarat

ગેસની બોટલ ઉપર ચઢી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવ ટૂંકાવ્યો,

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પર રહેતા નિખિલ વસાવે નામના યુવકે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે જ્યારે મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગેસની બોટલનો ટેકો લઈ ફાંસો ખાધો મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર કિરણ ડાયમંડની પાછળ રહેતો 26 વર્ષીય નિખિલ વસાવે એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રિના સમયે નિખિલે ઘરમાં રહેલી ગેસની બોટલ ઉપર ચડી, ઉપર રહેલા લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

મિત્રોએ દરવાજો તોડ્યો ને મિત્રની લાશ જોઈ નિખિલના મિત્રો જ્યારે રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ખટખટાવવા અને બૂમો પાડવા છતાં નિખિલે દરવાજો ન ખોલતા મિત્રોને શંકા ગઈ હતી. અંતે મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ તેમના હોશ ઊડી ગયા હતા. નિખિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. હેબતાઈ ગયેલા મિત્રોએ તાત્કાલિક આ અંગે પોલીસ અને 108ને જાણ કરી હતી.