Gujarat

કાલાવડના બામણગામમાં ભારે વરસાદ, નદીમાં ઘોડાપૂર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિક ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢી હતી.

બામણગામમાંથી પસાર થતા એક નાળા પરથી પાણી વહી રહ્યું હતું ત્યારે એક કાર ચાલકે તેમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર વચ્ચે ફસાઈ ગઈ હતી અને તણાઈ જવાનો ભય ઊભો થયો હતો. કારમાં સવાર લોકો ભયભીત બન્યા હતા.

ઘટનાની જાણ થતાં જ બામણગામના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને ટ્રેક્ટર અને મજબૂત દોરડાનો ઉપયોગ કર્યો હતો. દોરડું કાર સાથે બાંધીને પાણીના જોરદાર પ્રવાહમાંથી કારને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોની આ સતર્કતા અને સામૂહિક પ્રયાસોને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.