જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના મોત થતાં આરોગ્ય વિભાગમાં હાહાકાર મચી ગયો છે. આ બંને મૃત્યુ બાદ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં કુલ ત્રણ બાળકોના મોત નોંધાયા છે.
અત્યાર સુધી છ શંકાસ્પદ કેસ દાખલ, ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌપ્રથમ જામનગર જિલ્લાના એક બાળ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. હાલ હોસ્પિટલમાં વધુ ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં જામનગર શહેરનો એક બાળક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના બંને બાળકોના ચાંદીપુરા વાયરસના પરીક્ષણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાળકોના સેમ્પલો વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ તરીકે સારવાર આપવામાં આવી રહી છે.

