Gujarat

હિંમતનગર નજીકનો હિરણપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છલકાયો

હિંમતનગર નજીક દેરોલ પાસે આવેલો હિરપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છલકાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર બેરેજમાં હાલ ૯૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૧૦૦૦ ક્યુસેક જેટલું પાણી નિયંત્રિત રીતે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ આઠ ગામોને એલર્ટ કર્યા છે અને સાબરમતી નદીના કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

ગયા અઠવાડીયે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બેરેજમાં ૯૦૦ ક્યુસેકની આવક, ૧૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું

સતત વરસાદને કારણે બેરેજમાં પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ જાે ઉપરવાસમાં ફરી ભારે વરસાદ થશે તો બેરેજના ગેટ ખોલવાની ફરજ પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને તંત્રએ સંભવિત અસરગ્રસ્ત ગામોને પહેલાથી જ સતર્ક કરી દીધા છે.

સરકારી તંત્ર દ્વારા ખાસ કરીને નદીના પટમાં પશુઓને ચરાવવા ન લઈ જવા, માછીમારી ન કરવા અને ખનીજ વહન જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્રની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

૧૦૦થી વધુ ગામો માટે જીવાદોરી, પણ સાવચેતી: જાે વરસાદ ચાલુ રહ્યો તો ગમે ત્યારે ખૂલી શકે છે ગેટ

હિરપુરા બેરેજ માત્ર પાણી સંગ્રહનું માળખું નથી, પરંતુ આશરે ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બેરેજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના ૧૦૦થી વધુ ગામો માટે પાણીનો મહત્વનો સ્ત્રોત છે. ૮ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો અને ગ્રામજનોને સીધો ફાયદો થઈ રહ્યો છે. જાેકે, હાલ વરસાદનું જાેર યથાવત રહેતાં તંત્રની નજર સતત બેરેજ અને નદીકાંઠાના વિસ્તારો પર ટકેલી છે. ઉપરવાસમાં ફરી ભારે વરસાદ થશે તો ગેટ ખોલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી નદીકાંઠાના લોકો માટે હાલ સાવચેતી જ સૌથી જરૂરી છે.