ડભોઇ પંથકમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં તંત્રની ઘોર લાપરવાહીના કારણે ધરતીપુત્રો સુધી પાણી પહોંચી શક્યું નથી. નાંદોદી ભાગોળથી થરવાસા ચોકડી તરફ જતી નર્મદા કેનાલના ગેટ પાસે મોટા પ્રમાણમાં કચરો જમા થઈ જતાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે હાલના સંજોગોમાં વરસાદ ખેંચાતાં અને ચોમાસું નબળું રહેતાં ખેતી પાકને જીવતદાન આપવા માટે ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
તંત્ર દ્વારા કેનાલમાં પાણી તો છોડવામાં આવ્યું છે, પરંતુ નાંદોદી ભાગોળથી થરવાસા ચોકડી વચ્ચે આવેલા નર્મદા કેનાલના નિયમન ગેટ પાસે પ્લાસ્ટિકની બોટલો, કચરાની થેલીઓ અને ગંદકીના વિશાળ ઢગલા ખડકાઈ ગયા છે. આ કચરાના કારણે ગેટ જામ થઈ જતાં આગળ પાણી વહી શકતું નથી.
પરિણામે છેવાડાના ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી તાકીદે કેનાલના ગેટ પાસે જામેલો ગંદો કચરો સાફ કરાવે, જેથી અટકેલું પાણી આગળ વહે અને છેવાડાના ખેતરો સુધી પહોંચી શકે.

