નર્મદામાં ‘આદર્શ ગામ વિકાસ સમિતિ’ના મંચથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર પ્રહારો કર્યા
નર્મદા જિલ્લાને વિકસિત બનાવવાના આશય સાથે શરૂ કરાયેલી ‘નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિ’ના એક બિન-રાજકીય મંચ પરથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ સભામાં યુવાનોમાં વધતા જતા નશાના ચલણ પર અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા નિવેદનો આપતા દાવો કર્યો કે-
હવે માત્ર છોકરા જ નહીં, ગુજરાતમાં દીકરીઓ પણ બિયર અને ઇ-સિગારેટ પીવા લાગી છે. કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસની પાર્ટીઓમાં બિયર પીવે છે. આપણે સ્ટાર બેન્ડ લાવીને લોકોને દારૂ નથી પીવડાવવાનો, અમારે દીકરા-દીકરીઓને આગળ લાવવાના છે. સ્ટાર બેન્ડમાં ‘અબબબબ‘ કરવામાં વસાવા અને રાઠવા સમાજના યુવાનો પાછળ રહી જાય છે.
સાંસદે કડવું સત્ય સ્વીકારતા કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુખ્ય હોદ્દાઓ પર સ્થાનિક આદિવાસી યુવાનો કેમ નથી? કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓએ એ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ જ નથી લીધું, જેના કારણે નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે. યુવાનોને મોબાઈલ આપીને તેમનું જીવન બગાડવાને બદલે તેમનામાં રહેલી શક્તિને બહાર લાવવી પડશે. જાે નર્મદા જિલ્લાને ૨૦૪૭ માં વિકસિત ભારતનો ભાગ બનાવવો હશે તો શિક્ષણ પર જ ભાર મૂકવો પડશે.
વ્યસનની વાત ચાલતી હતી ત્યારે મનસુખ વસાવાએ મંચ પરથી જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને રમૂજમાં પૂછ્યું હતું કે, ‘બેન, તમે ભણતા હતા તે સમયે કોઈ દિવસ ગુટખા ખાધા છે?‘ તેમણે યુવાનોને ઇંગ્લિશ બોટલ (દારૂ) અને ગુટખા છોડવા સલાહ આપી હતી.

