Gujarat

ગુજરાતમાં બેવડી ઋતુ ૬ જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ‘નો પ્રકોપ શરૂ થશે

હાલ રાજ્યમાં એકતરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી નવમી મેથી ફરી આકરા હીટવેવની આગાહી કરી છે. રાજ્યના નાગરિકોએ ૨૪ કલાક માટે વરસાદ અને બે દિવસ બાદ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી આજે (સાતમી મે) રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેતા ભારે બફારાનો અનુભવ થશે. વરસાદી માહોલ ઓસરતાની સાથે જ નવમી મે (શનિવાર)થી રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. આગામી ૪૮ કલાક બાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

નવમી મેના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ માટે ઍલર્ટ જાહેર કરાઈ છે. ૧૦થી ૧૩મે દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જાેવા મળશે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં તીવ્ર લૂ ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ૧૫ થી ૨૦ નોટની ઝડપે ફૂંકાઈ શકે છે. ૮ મે બાદ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ગરમીના પ્રકોપ સામે નાગરિકોએ સાવચેત રહેવું પડશે.

ગરમીથી બચવા હવામાન વિભાગની સૂચના:-

•બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

•લીંબુ પાણી, છાશ અને પુષ્કળ પાણી પીવું.

•હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.