જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 2 માંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા અને એક સ્થાનિક યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ઉમેદવારે યુવકને “તારો મત નથી જોતો” તેમ કહી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ ઘટના જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં બની હતી, જ્યાં ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા તેમના સાથી ઉમેદવારો અને સમર્થકો સાથે જનસંપર્ક અને પ્રચાર માટે નીકળ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક યુવકે કોઈ કામ કે પ્રશ્ન બાબતે રજૂઆત કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

વાયરલ વીડિયો મુજબ, વાતચીત દરમિયાન મામલો એટલો બિચક્યો કે ઉમેદવાર જયરાજસિંહ જાડેજાએ ઉશ્કેરાઈને કહ્યું કે, “બધાય કામ પૈસાથી જ કરાવી લેવાય, તારો મત નથી જોતો.” સામે યુવકે પણ જવાબ આપ્યો હતો કે, “તે કરાવી લેશું.”

ઉમેદવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “કરાવી જ લેવાય, સાંભળ તારો મત નથી જોતો અને હું કોન્ટ્રાક્ટર નથી. એનો કોન્ટ્રાક્ટર કોણ છે મને શું ખબર? તને બધી ખબર જ છે.”

