શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી પાર્ક શેરી નં. ૨ માં એક રહેણાંક મકાનની જર્જરિત છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનની છત અચાનક તૂટી પડતાં જ જાેરદાર અવાજ સાથે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનની અંદર હાજર પરિવારના ૩ સભ્યો કાટમાળ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાયર જવાનની સતર્કતાથી ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની વિગતો મુજબ, આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂના મકાનમાં પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.૬૧), તેમના પત્ની ડોલીબહેન પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.૫૪) અને પુત્ર સાગર પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.૨૭) હાજર હતા. આ દરમિયાન અચાનક મકાનની છત ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે દટાયા હતા. પ્રતાપગિરિ ગોસાઈ પર છતનો મોટો ભાગ પડતાં તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા પડોશીઓ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રતાપગિરિ ગોસાઈ, ડોલીબહેન ગોસાઈ અને સાગર ગોસાઈને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સમયસર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી ત્રણેયને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ડોલીબહેનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે પ્રતાપગિરિ ગોસાઈ અને તેમના પુત્ર સાગરને પણ વિવિધ પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેયની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી સેવાની સમયસર કામગીરીને કારણે કાટમાળ નીચે દબાયેલા પ્રતાપગિરિ ગોસાઈને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

