કુદરતના અણમોલ ખજાના સમાન સાસણ ગીરના જંગલમાંથી 27 ઓક્ટોબરે એક એવી અદભુત, અકલ્પનીય અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેણે વન્યજીવ પ્રેમીઓ સહિત સમગ્ર માનવજાતને ભાવવિભોર કરી દીધી છે. ગીર જંગલ સફારીના રૂટ નંબર 13 પર પ્રવાસીઓ નિયમિત ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સૌની નજર એક સિંહણ પર પડી હતી. આ સિંહણના મોઢામાં હરણનું એક નાજુક અને જીવિત બચ્ચું જોવા મળ્યું હતું.
કુદરતના કાયદા મુજબ, જ્યાં શિકારી અને શિકાર વચ્ચે માત્ર મોતનો જ સંબંધ હોય છે, ત્યાં આ સિંહણ શિકાર કરવાને બદલે બચ્ચાને પોતાના મોઢામાં અત્યંત હળવાશથી પકડીને જાણે પોતાના જ બાળકની સંભાળ રાખતી હોય તેમ વનવિસ્તારના માર્ગ પર લટાર મારી રહી હતી. આ રોમાંચક નજારો જોઈને ત્યાં હાજર સૌકોઈ દંગ રહી ગયા હતા.

