જૂનાગઢ શહેરના “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સામે વાડીના એક મકાનમાં ચાલતા મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા 4 પુરુષ અને 4 મહિલાઓ મળી કુલ 8 લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રોકડા રૂ. 4.16 લાખ અને 6 સ્માર્ટફોન મળી કુલ રૂ. 5,56,300 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળની મહિલા નાલના પૈસા ઉઘરાવી જુગાર ચલાવતી હતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે, સક્કરબાગ સામે વાડીની ઓરડીમાં વેરાવળની ચાંદની નામની મહિલા બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડી જુગારધામ સંચાલક મહિલા સહિત 8 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓ સામે “બી” ડિવિઝન પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી ચાંદની (વેરાવળ), રાહુલ ભોકુ (બામણગઢ), જીતેન્દ્ર બાલધા (જૂનાગઢ), અમરજીત બારડ (જોષીપરા) અને ચાર મહિલા (તમામ જૂનાગઢ)ની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન રોકડા રૂ. 4,16,300 અને રૂ. 1,40,000ની કિંમતના 6 મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

