ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિને પગલે ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાઈ જવા અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સલામતીના ભાગ રૂપે બંધ કરવાની ફરજ પડી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટને જાેડતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદની સીધી અસર જાેવા મળી છે. રવિવારે સાંજે અંકલેશ્વરમાં માત્ર બે કલાકમાં નોંધાયેલા ૨.૭૨ ઇંચ વરસાદ બાદ આમલાખાડી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે અંકલેશ્વર-હાંસોટને જાેડતો મુખ્ય હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ સ્થિતિને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આમલાખાડી પર આવેલો જૂનો બ્રિજ અગાઉ તોડી પાડવામાં આવ્યો હતો. તેના વિકલ્પ તરીકે કામચલાઉ માર્ગ અને બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જાેકે, ભારે વરસાદ અને આમલાખાડીમાં આવેલા પૂરના કારણે આ કામચલાઉ માર્ગ ધોવાઈ જતાં મુખ્ય માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડકીયા કોલેજ નજીક આવેલા સાંકડા કામચલાઉ બ્રિજ પરથી માત્ર નાના વાહનોને અવરજવર માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સરકારી એસટી બસો સહિત તમામ ભારે વાહનોની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. પરિણામે ટ્રકો, બસો અને અન્ય ભારે વાહનોને હાંસોટ તરફ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે ૧૦થી ૧૫ કિલોમીટરનો વધારાનો ચક્કર મારીને જવું પડી રહ્યું છે. માર્ગ બંધ થતાં સવારે જ મોટી સંખ્યામાં વાહનોની કતારો જાેવા મળી હતી. દૈનિક નોકરી-ધંધા માટે આવનજાવન કરતા લોકો તેમજ વેપારીઓને સમય અને ઇંધણ બંનેનો વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ જણાવ્યું હતું કે વરસાદી સિઝનમાં અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોત તો આવી મુશ્કેલી ઊભી ન થઈ હોત. સ્થાનિક વાહનચાલકો કાલિદાસ વસાવા, અસલમભાઈ અને શિવાભાઈએ જણાવ્યું હતું કે માર્ગ બંધ થતાં લાંબો ચક્કર મારવાની ફરજ પડી રહી છે, જેના કારણે સમયનો બગાડ થઈ રહ્યો છે. બીજી તરફ રાહદારી ગોમાંનભાઈએ જણાવ્યું હતું કે વરસાદી દિવસોમાં લોકોને સુરક્ષિત અને સરળ અવરજવર મળે તે માટે કાયમી બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થવું જરૂરી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન દર વર્ષે આમલાખાડીમાં પાણીનું સ્તર વધવાની સમસ્યા સર્જાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે જૂનો બ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ હવે કામચલાઉ વ્યવસ્થા પર આધાર રાખવો પડી રહ્યો છે, જે ભારે વરસાદ સામે ટકી શકી નથી.
હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ ભારે વાહનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ ફરી એકવાર વરસાદ પૂર્વેની આયોજનબદ્ધ કામગીરી અને મજબૂત વૈકલ્પિક માર્ગોની જરૂરિયાત સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
તાપી જિલ્લામાં ગઈકાલે પડેલો ધોધમાર વરસાદન અસર હવે ગ્રામવિસ્તારના લોકો માટે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. ડોલવણ તાલુકામાં વરસાદ બાદ અનેક સ્થળોએ નુકસાનના દૃશ્યો સામે આવ્યા છે. ડોલવણથી પદમ ડુંગરી ચૂનાવાડીને જાેડતા સ્ટેટ હાઈવે પર આવેલા કોતરના એપ્રોચનો એક ભાગ ધોવાઈ જતા માર્ગની સલામતી સામે સવાલો ઉભા થયા છે. જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડોલવણ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા અનેક નાળા અને કોતરોમાં પાણીનો પ્રવાહ વધુ માત્રામાં વહેવા લાગ્યો હતો. વરસાદના પાણીના ભારે પ્રવાહના કારણે ડોલવણથી પદમ ડુંગરી ચૂનાવાડીને જાેડતા સ્ટેટ હાઈવે પર આવેલા કોતરના એપ્રોચનો એક ભાગ ધોવાઈ ગયો છે. વરસાદ દરમિયાન આ એપ્રોચ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણી ઓસર્યા બાદ નુકસાન સામે આવ્યું છે.
એપ્રોચ ધોવાઈ જતાં માર્ગ સાંકડો બની ગયો છે, જેના કારણે વાહનચાલકોને જાેખમ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. ખાસ કરીને ભારે વાહનો અને મોટા વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ માર્ગ મહત્વનો હોવાથી રોજિંદી અવરજવર પણ પ્રભાવિત થઈ રહી છે. સાથે રસ્તો પર કડી થાય જતા નાના વાહનો ને પણ તકલીફ પડી રહી છે. સ્થાનિક વરસાદી મોસમમાં દર વર્ષે આવા માર્ગો પર નુકસાન થતું હોય છે, છતાં કાયમી અને મજબૂત કામગીરી કરવામાં આવતી નથી. સમયસર સમારકામ નહીં થાય તો વધુ વરસાદમાં માર્ગ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદની અસર અંબિકા નદી પર સ્પષ્ટ જાેવા મળી હતી. ગત રોજ ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવીને ૩૨ ફૂટ સુધી પહોંચતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બીલીમોરા અને અમલસાડને જાેડતા મુખ્ય પુલની બાજુમાંથી જ પ્રચંડ પ્રવાહ વહેતા કિનારાના વિસ્તારોમાં ભારે ધોવાણ સર્જાયું હતું.
આ ભારે ધોવાણના કારણે અમલસાડ તરફ આવેલા પુલના ઉત્તર છેડાના એપ્રોચ નીચેની જમીન ધસી જતાં પૂર્વ તરફ નાનું ગાબડું પડ્યું હતું. ઘટના અંગે સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરી હતી. માહિતી મળતા જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પુલનું તકેદારીપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પુલના એપ્રોચ નીચેની માટી ભારે પાણીના પ્રવાહથી ધોવાઈ જતાં આ સ્થિતિ સર્જાઈ હતી.
ત્યારબાદ વિભાગે યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી હતી. પુલ ઉપરના રસ્તાનો ભાગ ખોદીને નીચેના એપ્રોચ સુધી પહોંચવામાં આવ્યો હતો અને ધોવાઈ ગયેલા ભાગમાં જરૂરી પ્રમાણમાં માટી ભરીને તેને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ રોડનું પુન:નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી આ ઘટનાએ જૂના પુલની સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે, જ્યારે તેની બાજુમાં નવા પુલનું નિર્માણ કાર્ય પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મનીષ પટેલના જણાવ્યા મુજબ, સમારકામ પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં પુલ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવશે. હાલ પુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
સુરત જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને તંત્રના બેજવાબદારીભર્યા આયોજનને કારણે મોટી આફત સર્જાઈ છે. માંડવી તાલુકાના અરેઠના બૌધાન ગામે વાવ્યા ખાડી પર બનાવેલો કામચલાઉ ડાઇવર્ઝન માર્ગ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. આ માર્ગ બંધ થવાથી બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાના લાખો લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે, અને તંત્રની પોલ ખુલી ગઈ છે.
બૌધાન ગામે છેલ્લા ઘણા સમયથી હાઈ-લેવલ બ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા વાહન વ્યવહાર માટે ડામરનો એક કામચલાઉ ડાઇવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો હતો. જાેકે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાવ્યા ખાડીમાં ઘોડાપુર આવ્યું હતું. ખાડીના ધસમસતા પ્રવાહ સામે આ ડામરનો માર્ગ ટકી શક્યો નહીં અને તણાઈ ગયો હતો.
આ મુખ્ય માર્ગ ધોવાઈ જવાથી વાહન ચાલકો માટે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેથી તેમને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ૨૫ કિમીનો લાંબો ફેરાવો ફરવાની નોબત આવી છે. માર્ગ બંધ થતાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, ખાડીના તીવ્ર પ્રવાહને કારણે ગામને પાણી પૂરું પાડતી મુખ્ય પીવાની પાઈપલાઈન પણ તૂટી ગઈ છે, જેને કારણે ગ્રામજનો માટે પીવાના પાણીની વિકટ સમસ્યા પણ ઊભી થઈ છે.
સ્થાનિક રહીશે ઘટનાસ્થળેથી સ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બારડોલી, માંડવી અને કામરેજ તાલુકાને જાેડતો આ મુખ્ય રસ્તો હોવાથી અસંખ્ય ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા લોકોએ સત્વરે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે. પ્રશ્ન એ છે કે, જાે ચોમાસા પૂર્વે યોગ્ય આયોજન કર્યું હોત, તો શું આ પરિસ્થિતિ સર્જાત? હાલ તો સ્થાનિકો કુદરતી અને માનવસર્જિત આફત વચ્ચે પીસાઈ રહ્યા છે.

