સુરત શહેરમાં છેતરપિંડી, અપહરણ-લૂંટ અને સાયબર ક્રાઈમની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ઉધના વિસ્તારમાં ટિશ્યુ પેપરનું મશીન આપવાના બહાને વેપારી સાથે રૂ.3.50 લાખની ઠગાઈ, અઠવાગેટ બ્રિજ પાસેથી બે યુવકોનું અપહરણ કરી પટ્ટા વડે માર મારી લૂંટ તેમજ ભાઠેનાના યુવકનો મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.1.64 લાખ ઉપાડી લેવાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટિશ્યુ પેપરનું મશીન આપવાના બહાને 3.50 લાખની છેતરપિંડી આંજણા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય વેપારી પરવેઝ રમજાનઅલી આલાણીએ ફેબ્રુઆરી 2026માં ઇન્ડિયા માર્ટ મારફતે ઉધના બી.આર.સી. સ્થિત એ.કે. ટ્રેડ એન્ડ એન્જિનિયરિંગના પ્રોપરાઇટર મયુર પાઘડાળ પાસેથી રૂ. 3.50 લાખમાં ટિશ્યુ પેપર બનાવવાના મશીનનો સોદો કર્યો હતો.
ફરિયાદીએ 3 ફેબ્રુઆરીથી 20 જૂન દરમિયાન ચાર હપ્તામાં પૂરેપૂરા રૂ. 3.50 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં આરોપીએ મશીન કે નાણાં પરત કર્યા નહોતા અને મશીન વેચી દીધું હોવાનું કહી ફરી પૈસા માંગવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અઠવાગેટથી બે યુવકોનું અપહરણ કરી પટ્ટા વડે માર મારી લૂંટ 22 નવેમ્બરના રોજ વહેલી સવારે અઠવાગેટ બ્રિજ પાસે ચા પીવા ગયેલા ફરિયાદી અને તેના મિત્ર ઈમરાનને તુફેલ ઉર્ફે માયા, એજાજ બટકો, સાહિલ હેબી સહિત ચાર શખ્સોએ ચપ્પુ બતાવી અપહરણ કર્યું હતું.
આરોપીઓ બંને યુવકોને તાપી નદીના કિનારે નાવડી ઓવારા પાસે લઈ ગયા હતા, જ્યાં કપડાં ઉતરાવી પેન્ટના પટ્ટા વડે ઢોર માર માર્યો હતો અને અન્નુ કેસેટને વીડિયો કોલ કરીને માર મારવાનું બતાવ્યું હતું. લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અગાઉના ગુનામાં સાક્ષી બનેલા ફરિયાદીને નામ કઢાવી દેવાની ધમકી આપી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો, તેમજ ખિસ્સામાંથી રૂ. 8 હજારની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

