જિલ્લાના ધરમપુર તાલુકાના મૂળદડ ગામે ધામણ ફળિયામાં પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી બાદ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. દારૂના નશામાં ઘરે આવેલા પિતા સાથે થયેલા ઝઘડા દરમિયાન બે પુત્રોએ કુહાડીના હાથા વડે હુમલો કરતાં પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં ધરમપુર પોલીસે બંને પુત્રો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ મામલે ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળદડ ગામના ધામણ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ મોતીરામ ઉર્ફે મોતેભાઈ પવારે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો તેમજ જીપી એક્ટ હેઠળ વિઠ્ઠલભાઈ ભરતભાઈ પવાર અને યોગેશભાઈ ભરતભાઈ પવાર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ ૧૦ જુલાઈના રોજ સાંજે આશરે ૭ વાગ્યે ભરતભાઈ મોતીરામભાઈ પવાર દારૂના નશામાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ કોઈ વાતને લઈને તેમના બંને પુત્રો સાથે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપે ફેરવાઈ ગઈ અને ઝપાઝપી સર્જાઈ.
પિતા અને પુત્રો વચ્ચે થયેલ ઝપાઝપી દરમિયાન આરોપી વિઠ્ઠલભાઈ અને યોગેશભાઈએ કુહાડીના હાથા વડે ભરતભાઈના માથા પર વાર કર્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારજનો અને સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં તબીબોએ તેમની સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે તેમની સ્થિતિ સતત વણસતી રહી અને અંતે સારવાર દરમિયાન ભરતભાઈનું મોત નીપજ્યું. મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ.
આ ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા અને મૃતદેહનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ભરતભાઈ છેલ્લા કેટલાક સમયથી દારૂનું વ્યસન ધરાવતા હતા. દારૂ પીધા બાદ તેઓ વારંવાર ઘરે આવી પરિવારજનો સાથે ઝઘડા કરતા હતા. આ સતત વિવાદોને કારણે પરિવારજનો માનસિક ત્રાસ અનુભવતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘટના વખતે પિતા અને પુત્રો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાટમાં આવીને બંને પુત્રોએ કુહાડીના હાથા વડે હુમલો કર્યો હતો. જાેકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વિવિધ પાસાઓમાંથી તપાસ કરી રહી છે.
ધરમપુર પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટનામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

