Gujarat

રંગમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતું ઔદ્યોગિક એકમ ઝડપાયું

જામનગરની રંગમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડતા એક ઔદ્યોગિક એકમને ઝડપી પાડ્યું છે. આ એકમને બંધ કરવાના આદેશની તૈયારીઓ ચાલી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી વિક્ટોરિયા પુલ અને વોરાના હજીરા પાસે રંગમતી નદીમાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળતા હતા. GPCBના અધિકારીઓએ આ સ્થળોએથી પાણીના નમૂના લઈને લેબોરેટરી પૃથ્થકરણ કરાવ્યું હતું.

પૃથ્થકરણ અહેવાલો અનુસાર, નદીના આ ભાગમાં કેમિકલને બદલે ઘરગથ્થુ ગંદા પાણીની માત્રા વધુ જણાઈ હતી. પાણીમાં ‘ટોટલ કોલીફોર્મ’ અને ‘ફીકલ કોલીફોર્મ’નું પ્રમાણ જોખમી સ્તરથી વધુ હતું, જે ડ્રેનેજનું પાણી સીધું નદીમાં ભળતું હોવાનો સંકેત આપે છે.

આ સમસ્યાના કાયમી નિવારણ માટે GPCB જામનગર મહાનગરપાલિકા સાથે સતત સંકલનમાં છે. કોર્પોરેશન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં ટૂંક સમયમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) કાર્યરત કરવામાં આવશે, જેનાથી આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે.

દરમિયાન, લાલપુર બાયપાસ પાસેથી પસાર થતી રંગમતી નદીમાં દરેડ GIDCનું ઔદ્યોગિક કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની વ્યાપક રજૂઆતો મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને GPCBની ટીમે લાલપુર બાયપાસ અને GIDC વિસ્તારમાં રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ અને મોનિટરિંગ હાથ ધર્યું હતું.

ગત શનિવાર અને રવિવારની રાત્રિ દરમિયાન GIDC વિસ્તારમાં ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ મોનિટરિંગ દરમિયાન એક ઔદ્યોગિક એકમ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ગંદુ પાણી રંગમતી નદીમાં છોડતું પકડાયું હતું.