જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહીબિશનના ગુનામાં સંકળાયેલા એક બુટલેગર વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં અગાઉ પણ પ્રોહીબિશનના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમ સામે LCB પી.આઈ. વી.બી. ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા સહિતની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા સમક્ષ મોકલવામાં આવતા, તેમણે આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું.
પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરીને આરોપી યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. શેરી નં. 4, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, મચ્છરનગર, ગાંધીનગર, જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. યશપાલસિંહ અગાઉ પણ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

