વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે શહેર SOGએ અકોટા ટાઉનશીપ વિસ્તારમાં દરોડો પાડીને 10.20 લાખ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ચાઈના બનાવટની અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની કુલ 408 ઈ-સિગારેટ કબજે કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યો છે, જ્યારે જથ્થો રાખવાના મામલે બે શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ-હુક્કાના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના આધારે SOGના PI બી.ડી. જીતીયા તથા સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન SOGના સ્ટાફને બાતમી મળી હતી કે, સેફાન ઉર્ફે બાબા ઈકબાલ મેમણ અને અવેશ રફીક પટેલે અકોટા ટાઉનશીપમાં ભાડે મકાન રાખીને તેમાં ઈ-સિગારેટનો જથ્થો સંગ્રહ કર્યો છે અને ગ્રાહકોને છૂટક વેચાણ કરવામાં આવે છે.
આ બાતમીના આધારે SOGની ટીમે અકોટા ટાઉનશીપના મકાન નંબર બી/99ના ત્રીજા માળે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર મળી આવ્યો હતો. મકાનની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની ચાઈના બનાવટની 10.20 લાખ રૂપિયાની કિંમતની કુલ 408 ઈ-સિગારેટ (વેપ) મળી આવી હતી.

