Gujarat

ભાવનગર નકલી દારૂ કાંડને પગલે મહીસાગર પોલીસ એક્શનમાં

ભાવનગરમાં નકલી દારૂના બનાવ બાદ મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દારૂના ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે, કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા અને પીઆઈ પી.આર. બલાતના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે આગરવાલા નજીક મહીસાગર નદીના પટ અને આસપાસના જંગલ વિસ્તારમાં હાઈટેક ડ્રોન દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધર્યું હતું. ડ્રોન નિરીક્ષણ દરમિયાન ઘોડાના મુવાડા ગામ નજીકના જંગલ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ડ્રોન દ્વારા માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે તમામ દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી અને દારૂ બનાવવા માટે વપરાતો આથો, સાધન-સામગ્રી તેમજ અન્ય મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કર્યો હતો. મહીસાગર પોલીસે જણાવ્યું કે, નદી કાંઠા અને જંગલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ડ્રોન સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.