પંચમહાલ રેન્જ DIG વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન લુણાવાડા ખાતે વિવિધ નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ, દાતાઓ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી આ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે નવી ‘વાંસીયા ચોકી’નું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉપરાંત, નવીનીકરણ કરાયેલા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ થયું, જેમાં મહિલાઓ અને બાળકો માટે ફીડિંગ રૂમ અને ઘોડિયાઘર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

રાજવી સમયની ઐતિહાસિક રાઈફલ હાઉસ ઇમારતનું નવીનીકરણ કરીને ત્યાં જિલ્લા ટ્રાફિક શાખાની નવી કચેરી શરૂ કરવામાં આવી છે. પોલીસ પરિવારોના કલ્યાણ માટે પોલીસ વેલ્ફેર સંચાલિત ‘દૂધ વેચાણ કેન્દ્ર’ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ડી.આઈ.જી. વિધિ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના નેતૃત્વ હેઠળ મહીસાગર પોલીસે આધુનિક અને જનકેન્દ્રિત સુવિધાઓ ઊભી કરીને પોલીસ સેવાને વધુ અસરકારક બનાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવી સુવિધાઓથી પોલીસ વિભાગ પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી અને સક્ષમ રીતે પૂરી પાડી શકશે.

કાર્યક્રમ દરમિયાન ડી.આઈ.જી. વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના હસ્તે વિવિધ દાતાઓનું સન્માન કરાયું હતું. આ સમારોહમાં મહારાજા સિદ્ધરાજસિંહજી, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકો, અગ્રણી દાતાઓ, નગરજનો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

