Gujarat

કડોદરા GIDC પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એકને પકડ્યો

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, કડોદરા GIDC પોલીસે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધની કાર્યવાહીમાં એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. તાતીથૈયા ગામમાંથી દેશી બનાવટની પિસ્તલ અને ખાલી મેગેઝીન સાથે આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે તાતીથૈયા ગામ વિસ્તારમાં એક શંકાસ્પદ ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે ખોડિયાર નગર, તાતીથૈયા ગામ, સોની પાર્ક-02 નજીક શ્રી પેલેસની બાજુમાં આવેલી એક બંધ બિલ્ડીંગ સામે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળા ઇસમને ઝડપી પાડી પંચોની હાજરીમાં તેની અંગઝડતી લેવામાં આવી હતી.

અંગઝડતી દરમિયાન, પકડાયેલા ઇસમ પાસેથી કુલ ₹20,320/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 1 દેશી હાથ બનાવટની પિસ્તલ (કિંમત ₹20,000/-), 1 ખાલી મેગેઝીન (કિંમત ₹200/-) અને ₹120/- રોકડ રકમનો સમાવેશ થાય છે.