જામનગર શહેર-જિલ્લામાંથી પસાર થતા અમુક હાઇવે વાહનચાલકો માટે મૃત્યુની જાળ સાબિત થઇ રહયા છે.છેલ્લા ત્રણ વર્ષ (2023થી 2025)સુધીના સત્તાવાર આંકડા ભયાવહ વાસ્તવિકતા છતી કરે છે.જિલ્લાના માત્ર દશ બ્લેક સ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષમાં 77 ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં 55 લોકો કાળના ખપ્પરમાં હોમાયા છે.
સરેરાશ આ દશ પોઇન્ટ પર દર બે માસે ત્રણ માનવ જીંદગી હોમાઇ રહી હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. આંકડાકિય વિશ્લેષણ મુજબ ધ્રોલ અને પંચકોશી બી પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુદા જુદા હાઇવે સૌથી વધુ રકતરંજીત બન્યા છે.
પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા લાલપુર ચોકડીથી મોરકંડા રોડ પર સૌથી વધુ 15 અકસ્માતો થયા છે.આશ્ચર્યની વાત એ છેકે, 10માંથી 9 જોખમી માર્ગોની જવાબદારી જીએસઆરડીસીની છે, છતા વર્ષોથી ડિવાઇડરના કટ કે અંધ વળાંકો સુધારવામાં તંત્ર વામણુ સાબિત થઇ રહયુ હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.
જામનગર અને આસપાસના હાઇવે હવે વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સમાન સાબિત થઇ રહયા છે.ત્રણ વર્ષના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે રોડ ડીઝાઇનની ખામી,આડેધડ મિડિયન ઓપનિંગ અને જોખમી ટર્નિગના કારણે અનેક પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે તંત્ર માત્ર કાગળ પર કામગીરી કે છે કે વાસ્ત્વિક એકશન લેશે ? એ સૌથી મોટો સવાલ છે.
જોખમી અકસ્માતગ્રસ્ત વિસ્તારો, સહેજેય નજર હટી તો દુર્ઘટના નકકી
- લાલપુર ચોકડીથી મોરકંડા રોડ: 3 વર્ષમાં સૌથી વધુ 15 અકસ્માત અને 7 લોકોના મોત સાથે આ વિસ્તારસૌથી ટોપ પર છે. અહીંનું મીડિયન ઓપનિંગ જીવલેણ સાબિતથઈ રહ્યું છે.
- જાયવા પાટિયા (ધ્રોલ): અહીં 3 વર્ષમાં 7 અકસ્માત નોંધાયા છે, જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. વળાંકઅને મીડિયન ઓપનિંગ મુખ્ય કારણ છે.
- મોટી ખાવડી (જીઓ પેટ્રોલ પંપ નજીક): ખંભાળિયા-જામનગર રોડ પરના આ સીધા રસ્તા પર સ્પીડનાકારણે 9 અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે.
- ફલ્લા સર્કલ અને ઠેબા ચોકડી: આ સર્કલ અને જંક્શન પર અનુક્રમે 7 અને 6 લોકોના મોત રોડ સેફ્ટી સામેસવાલો ઉભા કરે છે.

