અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે આ વર્ષે માંડલ નગરની પસંદગી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજે એક દાયકા બાદ માંડલને ફરી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના આયોજનનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આગામી 15મી ઓગસ્ટે દસાડા રોડ પર આવેલા કોટન જીનના વિશાળ કેમ્પસમાં યોજાનારા ભવ્ય સમારોહને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આગામી સ્વાતંત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી બુધવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ માંડલની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળ તેમજ વિવિધ સરકારી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતને પગલે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું. કલેક્ટર ભવ્ય વર્મા સૌપ્રથમ માંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અહીં મામલતદાર વી.જી.રાવલ અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે મહેસૂલ શાખા, જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર તેમજ સબ-રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ કલેક્ટર અધિકારીઓના કાફલા સાથે દસાડા રોડ પર આવેલા કોટન જીનના કેમ્પસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના આયોજનને લઈને તૈયાર કરવામાં આવેલા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

