જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે સ્થાનિક ગુના શોધક શાખાએ એક હોટલના પાર્કીગમાં રાખેલી કારમાંથી રૂા. 2.71 લાખની કિંમતના દારૂની 388 બોટલના જથ્થા સાથે લીંબડીના બે શખસોને પકડી પાડયા હતા. પોલીસે દારૂ,કાર સહિત રૂા. 11.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં સપ્લાયર, આયાતકાર સહિત ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
જામનગર સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમ પુર્વ બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક જય માતાજી હોટલના પાર્કિંગમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ત્યાં ઉભેલી ક્રેટા કાર ની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 388 બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂ. 2.71 લાખની કિંમતનો દારૂ, રૂ. 8 લાખની ક્રેટા કાર તથા રૂ. 40 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 11,11,319નો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂ પ્રકરણમાં પોલીસે જયદિપસિંહ ધમેન્દ્રસિંહ રાણા (રહે. ભલગામડા, નાનોભાગ,લીંબડી )અને મહેશ છેલ્લાભાઇ જોગરાણા (રે. લીંબડી)ને પકડી પાડ્યા હતા.

