Gujarat

ઉમરપાડાના આમલીડાબડા ગામે દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાના પકડાવાથી ગ્રામજનો અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં આમલીડાબડા ગામમાં એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વસ્તીવાળા વિસ્તારમાં થયેલા આ હુમલાને કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને દીપડાને પકડવા માટે ગાયના મારણ સ્થળ નજીક પાંજરું ગોઠવ્યું હતું. લોહી ચાખી ગયેલો દીપડો ફરીથી તે જ વિસ્તારમાં શિકારની શોધમાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં તે ફસાઈ ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરામાં કેદ થતાં વનવિભાગની ટીમે રાહત અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે આમલીડાબડા ગામમાં દીપડાનો આતંક નવો નથી. ભૂતકાળમાં આ જ ગામમાં દીપડાએ એક સ્થાનિક ખેડૂત પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને પકડવા ગયેલી વનવિભાગની રેસ્ક્યુ ટીમ પર પણ દીપડાએ હિંસક હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઘટનાઓને કારણે ગામલોકો રાત્રે ખેતરે જતાં કે ઘરમાંથી બહાર નીકળતા પણ ભય અનુભવતા હતા.