Gujarat

દાંતાના વન કવચમાં 200 રોપાનું વાવેતર અને 170 રોપાનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે દાંતા તાલુકાના વન કવચ ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનો અને આગેવાનોએ ભાગ લઈ હરિયાળા પર્યાવરણના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સૌએ પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંપત્તિના જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈને વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે વિવિધ પ્રજાતિના કુલ 200 રોપાનું વાવેતર કરાયું હતું, જ્યારે 170 રોપાનું વિતરણ કરીને વધુમાં વધુ લોકો પોતાના વિસ્તારને હરિયાળો બનાવે તે માટે પ્રેરિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ આબોહવા પરિવર્તન, વધતા પ્રદૂષણ અને ગરમી સામે અસરકારક ઢાલ તરીકે કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું.

વન વિભાગ દ્વારા કાર્યક્રમ દરમિયાન વિભાગની વિવિધ કલ્યાણકારી અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ વૃક્ષારોપણ બાદ તેની જાળવણીનું મહત્વ સમજાવી નાગરિકોને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.