Gujarat

રાજકોટ-ભાવનગર હાઇવે પર એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો

અમરેલી જિલ્લામાં રાજકોટ-ભાવનગર હાઇવે પરથી એક એમ્બ્યુલન્સમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. બાબરા પોલીસને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પી.આઈ. રાજેશ પરમારની ટીમે આંબલીધાર અને ગોગાળ પાસેથી એમ્બ્યુલન્સને રોકી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન, એમ્બ્યુલન્સના દર્દીના કેબિનમાં પાછળના ભાગે સ્ટેચર બેડ નીચે એક ચોરખાનુ બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારૂની 672 બોટલ (કિંમત 1,35,072 રૂપિયા) અને અન્ય 1296 બોટલ (કિંમત 2,21,616 રૂપિયા) મળી આવી હતી. કુલ 1968 બોટલ દારૂની કિંમત 3,56,072 રૂપિયા થાય છે. પોલીસે એમ્બ્યુલન્સ (નંબર GJ-05-AV 5525, કિંમત 7,00,000 રૂપિયા) અને મોબાઈલ ફોન સહિત કુલ 10,66,688 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સાગરભાઈ ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલ (રહેવાસી ગોંડલ)ની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો. આ ઉપરાંત, આ રેકેટમાં અન્ય કયા બુટલેગરો સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલી રહી છે. બાબરા પોલીસ આરોપીના વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરશે.