માણાવદર નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ છતાં, શહેરની મુખ્ય ગટર સાફ કરવામાં આવી નથી. માવજીના સોસાયટીથી બસ સ્ટેન્ડ સુધીની આ ગટર કચરા અને ગંદા પાણીથી ઉભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ગટરમાં પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ અને અન્ય કચરાના મોટા ઢગલા જમા થયા છે, જેના કારણે પાણીનો નિકાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ચોમાસા પહેલાં સફાઈ ન થતાં, ગંદુ પાણી ગમે ત્યારે રસ્તાઓ પર કે લોકોના ઘરોમાં ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ ગંદકી વચ્ચે એક મૃત પશુ (ભૂંડ) પણ ગટરમાં પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મૃત પશુ સડી રહ્યું હોવા છતાં નગરપાલિકા દ્વારા તેને હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે.
ચોમાસાની શરૂઆતમાં જ મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ડાયેરિયા જેવા રોગચાળા ફેલાવવાનો ભય વ્યાપી ગયો છે.સ્થાનિક જનતા દ્વારા આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. આ સમસ્યા અંગે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયાનો બે વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે બંને વખત ફોન કાપી નાખ્યો હતો. સ્થાનિક જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોએ તાકીદે ગટર સાફ કરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની માંગ કરી છે.

