ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો
વડોદરાની સાવલી બેઠકના ભાજપના દબંગ ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર કડક શબ્દોમાં પત્ર લખ્યો છે જેમાં સાવલી તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા એક નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોટ પાણી ને લાકડા જેવી નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે ધારાસભ્યએ સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સાવલીના પરથમપુરા ગામ પાસેથી પસાર થતી કરડ અને મેસરી નદી પર અંદાજે ૨૪ કરોડ રૂપિયાના માતબર ખર્ચે એક ભવ્ય નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરૂ થયાને હજુ ગણતરીનો સમય જ થયો છે, ત્યાં જ બ્રિજના રસ્તા પરથી આરસીસી (ઇઝ્રઝ્ર) પોપડા ઉખડવા લાગ્યા છે અને બ્રિજના મુખ્ય માળખામાં મોટી તિરાડો દેખાવા લાગી છે. ઉદ્ઘાટન અને લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બ્રિજની આવી દયનીય હાલત થતાં જનતાના જીવ જાેખમમાં મૂકાયા છે.
ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો છે કે, આટલા મોટા પ્રોજેક્ટમાં ગુણવત્તાના ધજાગરા ઉડ્યા છે, જેનાથી સરકારની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે. તેમણે આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય ‘વિજિલન્સ તપાસ‘ કરવાની કડક માંગ કરી છે, એટલું જ નહીં, જનતાના કરોડો રૂપિયા પાણીમાં વહાવનારા બેજવાબદાર કોન્ટ્રાક્ટર અને મિલીભગત ધરાવતા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરના કડક પગલાં ભરવા ભલામણ કરી છે.
ધારાસભ્યનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચર્ચા જાગી છે. હવે જાેવાનું એ રહેશે કે ધારાસભ્યના આ ધારદાર લેટર બોમ્બ બાદ ગાંધીનગરથી તપાસના આદેશ છૂટે છે કે પછી મામલો ઠંડો પડી જાય છે.

