ભારતમાં ઇબોલા વાયરસના સંભવિત પ્રવેશને પગલે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારે સાંજે આરોગ્ય વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇબોલાના સંભવિત કેસોને પહોંચી વળવા માટેની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ, મેડિસિન વિભાગના વડા અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રી આ પરિસ્થિતિ અંગે ખૂબ જ સજાગ હોવાનું ડો. પોપટે જણાવ્યું હતું.

આગોતરી તૈયારીના ભાગરૂપે, જી.જી. હોસ્પિટલમાં 70 બેડની ક્ષમતાવાળા બે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જો જામનગરમાં ઇબોલાના કેસ નોંધાશે, તો જૂની ડેન્ટલ કોલેજમાં એક અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
ડો. વિજય પોપટે સ્પષ્ટતા કરી હતી કે, હાલ સુધીમાં ગુજરાતમાં ઇબોલા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અગાઉ એક શંકાસ્પદ કેસનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે, તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ઇબોલાનો કોઈ કેસ નોંધાયો નથી.

