Gujarat

વલસાડમાં રોગચાળા અટકાયત માટે 8 સમિતિઓની બેઠક

વલસાડ જિલ્લામાં ચોમાસામાં સંચારી રોગચાળાને અટકાવવા અને જાહેર આરોગ્ય સેવાઓને સુધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિ સહિત કુલ આઠ વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રોગચાળા નિયંત્રણ, તમાકુ નિયંત્રણ, ક્લાઈમેટ ચેન્જ અને માનવ સ્વાસ્થ્ય, ટીબી, સિકલસેલ, થેલેસેમિયા તથા અન્ય આરોગ્ય કાર્યક્રમોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટર નીતિન સાંગવાને પાણીજન્ય, વાહકજન્ય અને લેપ્ટોસ્પાયરોસીસ જેવા રોગચાળાને રોકવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને આ રોગોના નિયંત્રણ માટે વધુ સઘન કામગીરી કરવાના નિર્દેશ આપ્યા હતા.

તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુના વેચાણ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે આ અંગે અસરકારક કામગીરીની ખાતરી આપી હતી.

ટીબી ફોરમની બેઠકમાં દર્દીઓના સર્વેલન્સ અને પોષણ કિટ વિતરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી. સિંઘે વિવિધ કાર્યક્રમોની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. કલેક્ટરે પાણી પુરવઠા વિભાગને પાણીના નમૂનાઓની નિયમિત ચકાસણી કરવા પણ તાકીદ કરી હતી. આ ઉપરાંત, ડોગ બાઈટ અને સ્નેક બાઈટના કેસો તેમજ મૃત્યુના બનાવોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લાના તમામ પીએચસી, સીએચસી, સબ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરોને એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવવાની સ્થિતિ અંગે ઇન્ચાર્જ ક્યુએમઓ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે માહિતી આપી હતી. સરકારી દવાખાનાઓ માટે જરૂરી જમીન ફાળવણી, 15મા નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ તેમજ આગામી પલ્સ પોલિયો અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંઘે આ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.