દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ગુજરાત સરકારની મરીન ટાસ્ક ફોર્સે મેગા કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્રીજી ઓગષ્ટના યોજાયેલા આ અભિયાન દરમિયાન ઓખા સહિત અનેક સંવેદનશીલ સ્થળોએ મરીન કમાન્ડોઝ દ્વારા ચાંપતી નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર અભિયાન એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ. એમ. મુનિયા અને પોલીસ અધિક્ષક એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક કે. પી. પારેખના નેતૃત્વમાં મરીન કમાન્ડોઝની ટીમે ખોડિયાર મંદિર, નેવી જેટી, બેટ દ્વારકા રિસોર્ટ વિસ્તાર, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગાયત્રી મંદિર, ઓખામઢી, વાડીનાર અને સલાયા સહિતના મહત્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
દરિયાઈ સીમા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા, સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવા અને સુરક્ષા તંત્રને વધુ સજ્જ રાખવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું હોવાનું મરીન ટાસ્ક ફોર્સના સૂત્રોએ જણાવ્યું હતું.

