Gujarat

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

માત્ર ૧ કલાકના વરસાદમાં પ્રાંતિજ સહીત આસપાસના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, પ્રાંતિજ સહીત આસપાસના નીચાણવાળા વિસ્તારો, અનેક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. ચોમાસાની શરૂઆત સાથે જ સર્જાયેલી આ સ્થિતિએ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

પ્રાંતિજમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વહીવટી તંત્રના પ્રિ-મોન્સૂન આયોજનની પોલ ખોલી નાખી છે.હાથમાંથી નદી પર આવેલો નવો બ્રિજ જે માત્ર ૨ વર્ષ અગાઉ જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.બ્રિજ પર દોઢ ફૂટ સુધી પાણી ફરી વળતા વાહનચાલકો માટે મુશ્કેલીનો પહાડ સર્જાયો છે.આ પરિસ્થિતિને કારણે અનેક વાહનો પાણીમાં ફસાવાને લીધે રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયા હતા.લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે.કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની આવી સ્થિતિ જાેઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

તેમજ અરવલ્લીમાં પણ મેઘરજ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ચારેબાજુ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. તાલુકામાં નોંધાયેલા આશરે ૨ ઇંચ જેટલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં જાણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ખાસ કરીને પીસાલ, રામગઢી અને કંભરોડા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી પાણીના ભારે ભરાવાને કારણે મેઘરજ-પંચાલ માર્ગ પર અવરજવર પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.