Gujarat

અમદાવાદના વેપારી સાથે 19.77 લાખથી વધુની ઠગાઈ

વડોદરાના હરણી એરપોર્ટ રોડ સ્થિત ‘આર.કે. ઓવરસીસ સર્વિસ’ના સંચાલક વિરુદ્ધ યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી સિદ્ધાર્થ રુદ્રસિંહ વનાર અને તેમના મિત્ર ધવલભાઈ પટેલ સાથે રૂપિયા 19.77 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોધાઈ છે.

મેડિકલ અને બાયોમેટ્રિક કરાવીને વિઝા આપ્યા નથી આર.કે. ઓવરસીસ સર્વિસના પ્રોપરાઈટર રાજેશ કુંતેએ ફરિયાદી, તેમની પત્ની દિપીકાબેન, મિત્ર ધવલભાઈ પટેલ અને તેમના પત્ની પ્રિયાબેન પટેલને યુ.કે.ના વર્ક વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ પ્રક્રિયા હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. 20,47,000 અને ધવલભાઈ પટેલ પાસેથી રૂ. 13,29,800 મેળવી ત્રણેયના મેડિકલ અને બાયોમેટ્રિક પણ કરાવવામાં આવ્યા હતા, પરંતુ નિયત સમય વીતી જવા છતાં વિઝા આપવામાં આવ્યા નહોતા.

ફોન સ્વીચ ઓફ કરી દીધો, 19.77 લાખથી પરત ના આપ્યા વારંવાર નાણાં પરત માંગતા આરોપીએ ફરિયાદીને અને ધવલભાઈને કેટલીક રકમ પરત આપી હતી, જ્યારે બાકીના ફરિયાદીના રૂ.17.45 અને ધવલભાઈના રૂ.2.32 મળી કુલ રૂ.19.77 લાખ પરત કર્યા નહોતા. હાલ નાણાંની ઉઘરાણી કરતા રાજેશ કુંતે ફોન ઉપાડવાનું બંધ કરી, ફોન સ્વીચ ઓફ કરી તેમજ ઓફિસ બંધ કરી જતા રહેતા ફરિયાદીએ આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.