Gujarat

પોરબંદરમાં રિબેટ સ્કીમ પુરી થવાના દિવસોમાં મનપાની વેરાની આવકમાં બમણો ઉછાળો આવ્યો

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વેરા ભરપાઈ પરની રિબેટ સ્કીમ હવે તેના અંતિમ ચરણમાં છે.

સ્કીમ પૂરી થવાના ગણતરીના દિવસો જ બાકી હોવાથી મિલકત ધારકો વળતરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકાની તિજોરીમાં વેરાની આવકમાં બે ગણો વધારો થયો છે.

પોરબંદર મનપા દ્વારા વેરાની ભરપાઈમાં 10 ટકા રિબેટ તેમજ વર્ષોથી ન ભરપાઈ કરેલ વેરાની ભરપાઈમાં 90 ટકા વ્યાજમાફી અંગેની સ્કીમ જાહેર કરવામાં આવી હતી.

આ સ્કીમ આગામી 30 સપ્ટેમ્બર સુધી વેરો ભરનારા નાગરિકો માટે ખાસ અમલમાં મૂકવામાં આવી છે.

આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે છેલ્લા 10 દિવસથી મહાનગરપાલિકા કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો અને ભારે ભીડ જોવા મળી રહી છે. આ ધસારાને કારણે મનપાને છેલ્લા 10 દિવસથી રોજની અંદાજે 20 થી 21 લાખ રૂપિયાની આવક થઈ રહી છે.