સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારીના અનુસરણ સ્વરૂપે કેમ્પસમાં રહેતા 100 શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવવામાં આવતા શ્વાન પ્રેમીઓમાં રોસ ફેલાયો છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે.
જીવદયા પ્રેમીઓ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો આ મામલામાં ભાજપ સરકારમાં પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ પ્રાણી અધિકાર કાર્યકર્તા અને પર્યાવરણવિદ મેનકા ગાંધીએ કુલપતિ, મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ વચ્ચે રાજકોટ સહિત ગુજરાતમાં અબોલ જીવો માટેનું અનોખું કરુણા અભિયાન ચલાવતા મિતલ ખેતાણીએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે યુનિવર્સિટીના આ નિર્ણયને મૂર્ખતાભર્યો ગણાવ્યો છે અને તાત્કાલિક બેનરો હટાવવા માંગ કરી છે.
કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ 300 એકરથી વધુ જગ્યામાં પથરાયેલુ છે. અહીં 100 થી વધુ શ્વાન વસવાટ કરે છે. યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે ત્યારે રાત્રિના સમયે જ્યારે તેઓ પોતાની હોસ્ટેલ પર પરત ફરતા હોય છે ત્યારે શ્વાન પાછળ દોડતા હોય છે અને ડોગ બાઈટની ઘટનાઓ પણ બધી હોય છે.
આ ઉપરાંત 1500થી વધુ વડીલો સવાર અને સાંજ વોકિંગ માટે આવે છે. જેમની પણ ફરિયાદ હતી કે મુખ્ય રોડ પર જ શ્વાન હોય છે જે પાછળ દોડે છે. જેથી તેનું નિરાકરણ કરવું પડે.

