વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ SOGની ટીમને એક મોટી સફળતા મળી છે. નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી SOG પોલીસે વડોદરા તાલુકાના શેરખીમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોષડોડા અને અફીણના મોટા જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શેરખી ગામે લાલજી રબારીના ઘરે દરોડા જિલ્લા ગ્રામ્ય SOGના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.સોઢા, PSI પી.જી.પટેલ તથા એચ.એમ.જાળીયાની અલગ-અલગ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ખોડુભાઈને મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે શેરખી ગામે આ રેડ કરવામાં આવી હતી. પોલીસે શેરખી ગામના ભાથીજી મંદિરવાળા ફળિયામાં રહેતા લાલજીભાઈ રબારી નામના શખસના રહેણાંક મકાનમાં દરોડો પાડી તેની ધરપકડ કરી છે.
21 કિલોથી વધુ પોષડોડા, અફીણનો જથ્થો જપ્ત તપાસ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી 21.210 કિલોગ્રામ પોષડોડા (₹3,18,150 ) અને 0.435 કિલોગ્રામ ગેરકાયદે અફીણ (₹2,17,500) મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલા એક મોબાઈલ ફોન અને એક વજનકાંટો સહિત ₹ 5,41,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

